Archive for August, 2007

મારી માતૃભાષાનું સૌન્દર્ય-(2)-કિરીટકુમાર ગો ભક્ત

Wednesday, August 29th, 2007

ઊંધી માત્રાની મજા.

૧. ચોરી – કન્યાએ વરનાં દિલની ચોરી કરી.
–ચૉરીનાં ફેરા ચાર.
૨. વેર- પહેલાનાં જમાનામાં વેર વારસામાં અપાતું.
વૅર –મસાલામાં લાકડાના વૅરની મિલાવટ.
૩. છેક – તે મને છેક સુધી મુકી ગયો.
છૅક – લખાણમાં છૅકછાક ન ચાલે.
૪. કોસ- કૂવામાંથી પાણી કાઢવા કોસની જરુરિયાત હોય છે.
કૉશ – ખાડો ખોદવા કૉશની જરુર.
૫. ખોળ – અમે ગાદલાંને નવી ખોળ ચઢાવી.
ખૉળ – બળદને ખૉળ વિના કેમ ચાલશે?
૬. ગોળ – પૃથ્વી ગોળ છે.
ગૉળ – ગૉળ ગળ્યો લાગે છે.
૭. મેલ- હવે માથાકૂટ મેલ.
મૅલ –આ જો કાનનો મૅલ !
૮. બેટ – કબીરવડ એક બેટ છે.
બૅટ – સચીનનું ભારે બૅટ.

મારી માતૃભાષાનું સૌન્દર્ય

Monday, August 27th, 2007

હું વરસો થી વિદેશની ધરતીમાં ફરું છું અરબ દેશો, આફ્રીકા, દક્ષીણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને યુરોપ.. મહદ અંશે મને અંગ્રેજી ઉપરાંત ઘણી બધી ભાષાઓનું શબ્દ ભંડોળ અને જ્ઞાન છે.
મારી ઉંમરનાં ઘણા માબાપોને મેં તેમના સંતાનોને ગુજરાતી ભાષાની ગુણવત્તા સમજાવવામાં નિષ્ફળ નિવડતા જોઇને ક્યારેક બહુ ચિંતવેલુ અને લખેલુ આ લખાણ સૌ ગુજરાતી ભાષાનાં ચાહકોને ગમશે.

મારી માતૃભાષાની સમૃધ્ધિનાં નિમ્નલીખીત દ્રષ્ટાંતો આપને ગમશે. જેમાં એક શબ્દમાં સહેજ ફેર કરવાથી અર્થ સમુળગો બદલાઇ જાય્.

૧. શાપ –અને શંકરના ગળામાંથી શાપ નીકળ્યો. સાપ –અને શંકરે ગળામાં સાપનો હાર પહેર્યો.
૨.શરત – તને એ શરત તો યાદ છે ને ? સરત્-તને તેને કહેવાનું સરત ન આવ્યું.
૩.ઉદર – અનાજ હશે તો ઉદર ભરાશે ઉંદર –ઉંદર ભરાશે તો અનાજ બગાડશે.
૪.કાપ –શેરડીનો કાપ મોડો પડશે કાંપ –શેરડી માટે જમીનમાં કાંપ જરુરી છે.
– સડેલું લોહી કાપ મૂક્યા વગર શેં નીકળશે?
– હવે ગરમીમાં વીજળીનો કાપ શરુ…
૫.-આખો-આગથી આખો મલક સળગી ગયો. આંખો –મરચું લાગવાથી આંખો સળગી ઉઠી.
૬.ભાળો –અહીં આ જ ઘાસમાં સાપને ભાળો. ભારો –આ મેં કાપેલો ઘાસનો ભારો.
૭.સંભાળ-માંદગીનો વાવર છે તબિયત સંભાળ. સંભાર –પાપ તારું પરકાશ જાડેજા,ધરમ તારો સંભાર.
૮.રાશિ –બારમાંથી તારી રાશિ કયી છે. રાશી –બારમાંથી કયો પુરુષ રાશી છે.
૯. વારિ- મહેમાન માટે કળશમાં વારિ આણો. વારી-મહેમાન તમો મોંઘેરા,તમારા પર વારી જાઉં. વાળી-ધન ગંગાબાઇની વાળી,સવા વાલ થયા વનમાળી.
૧૦.સરઘસ-ચુંટણીપ્રચારનું સરઘસ. સરકસ –નેતાઓનું વિધાનસભામાંનું સરકસ.
૧૧.કૃતઘ્ન-મીરજાફર કૃતઘ્ન. કૃતજ્ઞ- ભામાશા કૃતજ્ઞ
૧૨.ઉગાડવું –ખેડૂતો અનાજ ઉગાડે છે. ઉઘાડવુ – ઘર ઉઘાડવુ
૧૩.નળ –પાણી માટેનો નળ. નર – પાણી વગરનો નર.
૧૪.નિશ્ચિત-એનું મરણ ઓપરેશન પછી પણ નિશ્ચિત છે. નિશ્ચિંત-એનું ઑપરેશન થઇ જતાં જ અમે નિશ્ચિઁત થઇ ગયા.
૧૫.ભાગી-એનો દીકરો ગામ છોડી ભાગી ગયો. ભાંગી-એની દીકરી વિદાયમાં એ ભાંગી ગયો.
૧૬. કમળ-કમળનાં ફુલ હાથમાં રાખો. કમર-હાથ કમર પર રાખો.
૧૭.ચાલ-તું મારી સાથે ચાલ. ચાળ –તું આ લોટને ચાળ.
-આ ચાલમાં તે રહે છે.
-તું એની ચાલમાં જરુર ફસાવાનો !
-ઘોડાની આ ચાલ ને રેવાલ કહે છે.
-આ છોકરીની ચાલ લટકાળી છે.
૧૮.ગોર – ગોર મહારાજ કથા કહેશે. ગોળ- પૃથ્વી ગોળ છે. -અમે આ ગોળમાં કન્યા આપતાં નથી. ગૉળ- ગૉળ નાખો એટલું ગળ્યુ થાય.
૧૯.શાળા- આ મારી પ્રાથમિક શાળા. સાળા-આ મારા મોટા સાળા. સારા –આ અક્ષર કેટલાં સારા. સાલા- સાલા,તું માણસ છે કે ?
૨૦.માસ- ફાગણનો માસ. માંસ- બકરાનું માંસ.
૨૧.ગાળ-તું ગાળ બોલે છે,એટલે.. ગાલ- તને ગાલ પર તમાચો પડ્યો.
૨૨.મરી-મારો મિત્ર અકસ્માતમાં મરી ગયો. મળી-મારો મિત્ર અકસ્માતે જ મળી ગયો.
૨૩.માળો-ચકલી નો માળો. મારો- આ કમરો મારો છે. -એ દોષી નથી,એને કાં મારો? -આગ પર પાણીનો મારો ચલવાયો.
૨૪.શાલ- આ સુંદર કાશ્મિરી શાલ ! સાલ- આ સાલ વરસાદ સારો છે. સાલ- સાગનું લાકડું સાલ કરતાં મજબૂત હોય છે.
૨૫.સાંભળવું-હું બાળપણમાં ગામને ચોરે રામાયણ સાંભળતો. સાંભરવું- મને ગામનો ચોરો જોઇ બાળપણ સાંભરતું.
૨૬.ચૂક-સેવામાં ચૂક રહી ગઇ ફોય તો,માફ કરશો. -તું આ તક ના ચૂક. -તને શી પેટમાં ચૂંક આવે છે. -લે ,આ દિવાલમાં ચૂંક મારી દે.
૨૭.નાસતો-પોલીસે નાસતો ચોરને પકડી લીધો. નાસ્તો- પોલીસ નાસ્તો કરતી રહી,અને ચોર ભાગી ગયો.
૨૮. હશે –હશે ભાઇ!ભૂખ્યો છે. – તે આવતો જ હશે. હસે- હસે તેનું ઘર વસે.
૨૯.ગુણ-આ તમારો ગુણ.. ગૂણ-આ બાજરીની ગૂણ.
૩0.સુર-દેવ. સૂર-તાનસેન નો સૂર.
૩૧.વધુ-આવર્ષે વર્સાદ વધુ પડ્યો -વધૂ,વંશ વધારે તે વધૂ
૩૨.લક્ષ-લાખની સંખ્યા લક્ષ્ય – ધ્યેય કે નિશાન,
૩૩.રવી- વસંત ઋતુ રવિ – સૂર્ય કે રવિ વાર્,
૩૪.મૂડી- મિલ્કત મૂંડી – માથુ,
૩૫.માળે-ઉપલો માળ મારે -મારે ઘરે,
૩૬.સફર-યાત્રા સફળ- સફળ,
૩૭શિલા-પથ્થર્ શીલા ચારિત્ર વાન્,
૩૮.પાણી-જળ પાણિ – હસ્ત હાથ
૩૯. ચિતા-આગ ચિંતા-દુખદ વિચારો

આપ પણ વિચારશો તો આવુ ઘણુ બધુ આપણી ભાષામાં છે જે ગર્વ કરવા જેવી વાતો છે. આનુ સંવર્ધન એ આપણી વાચક અને લેખક તરીકે ફરજ છે.